અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ સામે આવેલી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની કચેરીમાં વર્ષ 2004માં થયેલી 33 લાખ રુપિયાની ઉચાપતના ચકચારી કેસમાં છેલ્લા દસ વર્ષથી સરકારી વકીલ હાજર નહી થતા કેસમા તારીખ પર તારીખ પડી રહી છે. 13 વર્ષ પછી આ કેસ ચાલવા પર આવ્યો છે ત્યારે આ કેસમાં ફરિયાદ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પુર્વ કો ચેરમેન એવા આર.જી.શાહ ગઇકાલે કોર્ટમાં જુબાની આપવા માટે હાજર રહ્યા પરંતુ સરકારી વકીલ હાજર નહી રહેતા વધુ એક તારીખ પડી છે.
વર્ષ 2004માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ સેક્રેટરી એ.ડી.વ્યાસ અને એકાઉટન્ટ સંજય પંચાલ દ્રારા વકીલોના 33 લાખ રુપિયાની ઉચાપત કરીને કૌભાડ આચર્યુ હતું. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન આર.જી.શાહે આ મામલે બન્ને વિરુધ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં પોલીસે બન્ને લોકો વિરુધ્ધમાં દસ લાખ રુપિયી છેતરપીંડીની ફરિયાદ નોંધીને તેમની ઘરપકડ કરી હતી. પોલીસ ઇન્વસટીગેશનમાં ઉચાપતનો આંકડો 33 લાખ પર પહોચ્યો હતો. આ કેસમાં કાયદા વિભાગે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૃક કરી હતી. જોકે થોડાક સમય બાદ સ્પેશિયલ સરકારી વકીલે રાજીનામું આપી દીધુ હતું. કાયદાવિભાગે જીલ્લા સરકારી વકીલની કચેરીને આ કેસમાં સરકારી વકીલ નિમણૃક કરવા માટેનો આદેશ કર્યો હતો જોકે હજુ સુધી આ કેસમાં કોઇ સરકારી વકીલ હાજર નહી થતા કેસમાં માત્ર તારીક પે તારીખ પડી રહી છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી ગઇકાલે વકીલ હરનીશ રાવ હાજર રહ્યા હતા જ્યારે જુબાની આપવા માટે આર.જી.શાહ હાજર રહ્યા હતા. આ કેસમાં ગઇકાલે સરકારી વકીલ હાજર નહી થતા કોર્ટે વધુ એક તારીખ આપી છે. સુત્રોનું માનીએતો છેલ્લા દસ વર્ષથી કોઇપણ સરકારી વકીલની નિમણૃક કરવામાં આવી નથી.