મનોજ રાણા, અમદાવાદ: નિકોલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે દંપતીએ એક ગર્ભવતી યુવતી અને કિન્નર પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. ગર્ભવતીને બચાવવા માટે વચ્ચે પડેલા કિન્નરના ગળામાં તેમજ મોઢા પર છરી અને અસ્ત્રા વડે દંપતીએ હુમલો કર્યો હતો. નિકોલ વિસ્તારમાં આવેલ લાલકૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતી કિન્નર નીલુમાસી પવૈયાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા વર્ષાબેન રાઠોડ અને તેના પતિ જીગ્નેશ વિરુદ્ધમાં હત્યાની કોશિષ ની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે નીલુમાસીની મિત્ર મનીષા ગર્ભવતી છે અને તે તેને મળવા માટે ગઈ હતી. મનીષા અને નીલુમાસી એકબીજા સાથે વાતો કરતા હતા ત્યારે વર્ષાબેન ત્યાં આવ્યા હતા. વર્ષાબેને અગમ્ય કારણોસર મનીષાના પેટમાં લાતો મારવા લાગી હતી. આ બબાલ જોઈને નીલુમાસી મનીષાને છોડાવવા વચ્ચે પડી હતી. વર્ષાબેને ઉશ્કેરાટ માં નીલુમાસી પર અસ્ત્રા વડે હુમલો કરી દીધો હતો. દરમિયાનમાં વર્ષાબેને નો પતિ જીગ્નેશ પણ આવ્યો હતો અને નીલુમાસીને ગળામાં તેમજ મોઢાના ભાગે છરી મારી હતી. લોહીથી લથપથ હાલતમાં નીલુમાસી જમીન પર ઢળી પડી હતી. નીલુમાસીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિકોલ પોલીસે આ મામલે દંપતી વિરુદ્ધમાં હત્યાની કોશિષ ની ફરિયાદ નોંધી છે.